*॥ આદ્યશક્તિ મહામાયારુપ ખોડલ ॥*
*( ગીત ચારણી શૈલીનુ )*
ગુણ કથું હું ગાગડડિયાની ,
મે'ર કરી જે મામડિયાની .
ત્રટ હીરણને વાસ તિહારો ,
ધરો ગાજે ત્યાં એકજધારો .
તરવર ફૂલમાં વાસ તિહારો ,
મહેકે વાયુનો મહેકારો .
ઝરણામાં ઝણકાર કરે તું ,
નીરમાં ઘેરા નાદ કરે તું .
વગડામાં વનરાઇ ઘટા તું ,
લાલ ગુલાબી વેલ લતા તું .
તરવરમાં કુંપળીઓ તું છો ,
ફોરમમાં ફાગણીઓ તું છો .
કેસૂડાંની કળીઓ તું છો,
પીળાં પટ આવળીઓ તું છો .
વાયુરુપે વિચરે વનમાં ,
થાનકમાં ઘરમાં થનથનમાં .
ગાજે વરસા નાદ ગગનમાં ,
આહુત જ્વાળા માંય અગનમાં .
જાંપ જપે તો હોય જગનમાં,
લગની હોય તો હોય લગનમાં .
પેઠી તું સ્વર્ગે પાતાળે ,
ભૂવન ત્રણે તું નજરે ભાળે .
સાદ કરે તું આવે સહાઈ,
ધાબળિયાળી આવે ધાઇ.
ક્રોધ ભરી તું નજરું કરતો,
કાળે ય ડગલાં પાછાં ભરતો.
આણ ફરે સુરજ ના ઊગે ,
પંથે તારે કો નવ પૂગે .
ખોડલ તારાં ત્રિશૂળ ખખડે ,
ગિરનારી મૂળમાંથી ગગડે .
દિગપાળોનાં છેડાં છૂટે ,
ટાણાં વિણ મેહૂલીયો ત્રુટે .
વીજળિયુંના થાય લવાકાં ,
જગમાં હોય બધે ઝબકારા .
કોરંભ પીઠાં થાય કડાકાં ,
ભૂમંડળમાં થાય ભડાકા .
શેષાં સર સળવળવાં લાગે ,
લાવારસ ઊકળવા લાગે .
સૂરજ ચાંદો તેજ સમેટે ,
હરિ બ્રહ્મા શિવ ઊતરે હેઠે .
મહેરામણ મરજાદા મૂકે ,
હરિયલ ઠારોઠાર હી હૂકે .
અવળી ચાલે હેય અટંકી ,
બિરદાળી હો જાવછ બંકી .
રીસ ભરેલી ઊતરે રણમાં ,
ક્રોધ ભરી ઊઠે કણકણમાં .
હૈયેથી જો હેત વછૂટે ,
તેને જગમાં કો નવ લૂટે .
મેંર કરે તો કોઇ મરે નહિ ,
ભૂંડા ડગલાં ક્યાંય ભરે નહિ .
વગર જોતું કોઇ વેર કરે નહિ ,
કજિયા કે કંકાસ કરે નહિ .
જીભે ખોડલ ખોડલ જપતાં ,
રામનામનાં થઇ જાય રટતાં .
અંતરથી જાણસ તું આઇ ,
બેઠી થાજે ઝટ તું બાઈ .
ખરે વખત જો ખપ તું ના'વે ,
આઈ બીજા કુણ વારે આવે?
બિરુદ તિહારો કેમ બખાણુ ;
જોણ ઝાઝી વાત ન જાણું`.
કાલા વાલા કરતાં કરતા ,
પળિયે તારે પાયે પડતાં .
કાળે બુદ્ધિ બે`ર કરી છે ,
ભીતરમાં કંઈ લાખ ભરી છે .
હૈયાની હોઠે નવ આવે ,
સક્તી *" દાદલ "* કીં સમજાવે ?
આઠો જામ ભજી લે અંબા ,
જગબંધન છોડે જગદંબા .
પ્રાત ઊઠી જો લાગે પાયે ,
જનમ જનમનાં પાપો જાયે .
કર જોડીલે દાતણ કરતાં ,
ભજીલે ખોડલ ડગલાં ભરતાં .
ઊઠતાં બેસતાં નામ ઉચ્ચારે ,
દુ:ખ દાળીદર સઘળાં ડારે .
ખોડલમાં કરશે ખમકારાં ,
ચિતમાં રહેશે જો ચમકારા .
બની નથી ગઇ માં તું બેરી ,
તારાં બાળકને લે ટેરી .
અમી નજર તારી જો પડશે ,
થોડી ઘડી કાળે ય થરથરશે .
ખોડલ માં તારે ખમકારે ,
શારદ પાછા લેખ સુધારે .
એક ઘડી ના ઊભે અંબા ,
ઝટ આવે વારે જગદંબા .
પંચાણ હોય કે હો પગપાળી ,
ધોડીજે ઝટ ધાબળિયાળી .
ખપ્પર ત્રિશૂળ ખખડાવી ખોડલ ,
અળગો કરી મઢની ઓજલ .
કાઇ હવે વિલંબ ના કરતી ,
ખમા ખમા મુખે ઉચરંતી .
જણ્યાં અપરાધો ભૂલી જાજે ,
અવગુણ જોતી ના તું આજે .
થાનક માંથી બેઠી થાજે ,
અમણા દુ:ખ તું ભાંગે આજે.
No comments:
Post a Comment