Wednesday, June 17, 2020

ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી...

  • ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી...



સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી,
 ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી.
 
 હાથ પગ ચોળે એના ઘરની અસતરી,
 વાંસાના મોર નીહાળે માતા રે ભરથરી.
 
 મોર નીહાળંતા માં નું હૈડું ભરાણું જો.
 નેણલે આંસુડલાંની ધાર રે ભરથરી.
 
 નહિરે વાદળડી ને નહિ રે વીજળડી,
 આ ઓચિંતાંના નીર ક્યાંથી આવ્યાં રે ભરથરી.
 
 કહો ને માતાજી તમારા દલડા કોણે દુભાવ્યા,
 કોણે રે કીધા કડવા વેણ રે ભરથરી.
 
 આવી કાયા રે તારા બાપની હતી જો,
 એ રે કાયાનાં મરતૂક આવ્યાં રે ભરથરી.
 
 કો’તો,
 માતાજી, અમે દુવારકાં જાયેં જો,
 દુવારકાંની છાપું લઇ આવું રે ભરથરી.
 કો’તો, માતાજી, અમે હિંગળાજ જાયેં જો.
 હિંગળાજના ઠુમરા લઇ આવું રે ભરથરી.
 
 કો’તો, માતાજી અમે કાશીએ જાયેં જો,
 કાશીની કાવડ્યું લઇ આવું રે ભરથરી.
 
 કો’તો, માતાજી, અમે જોગીડા થાયેં જો,
 કો’તો લઇએ ભગવો ભેખ રે ભરથરી.
 
 બારવરસ, બેટા રાજપાટ ભોગવો ,
 તેરમે વરસે લેજો ભેખ રે ભરથરી.
 
 બાર વરસ, માતા, કેણીએ ન જોયાં જો.
 આજ લેશું રે ભગવો ભેખ રે ભરથરી.
 
 દેશ જાજેને, દીકરા, પરદેશ જાજે જો,
 એક મ જાજે બેનીબાને દેશ રે ભરથરી.
 
 આંબાનીડાળે ને સરોવરની પાળે જો,
 ઊતરી છે જોગીની જમાત રે ભરથરી.
 
 નણંદબાઇની દીકરી ને સોનલબાઇ નામ જો.
 સોનલબાઇ પાણીડાં હાર્ય રે ભરથરી.
 
 કો’તો મામી, તમારો વીરોજી દેખાડું જો,
 કો’તો દેખાડું બાળો જોગી રે ભરથરી.
 
 સાચું બોલો તો, સોનલબાઇ, સોનલે મઢાવું જો,
 જૂટું બોલો તો જીભડી વાઢું રે ભરથરી.
 
 હાલો દેરાણી ને હાલો જેઠાણી બા,
 જોગીડાની જમાત જોવા જાયેં રે ભરથરી,
 
 થાળ ભરીને શગ મોતીડે લીધો જો,
 વીરને વધાવવાને જાય રે ભરથરી.
 
 ક્યો તો વીરોજી પાલખી મગાવુ અને કયો તો અપાવુ પાછા રાજ રે ભરથરી,
 
 પાલખી ન જોયેં, બેનીબા, રાજ નવ જોયેં જો,
 કરમે લખ્યો છે ભગવો ભેખ રે ભરથરી.

No comments:

Post a Comment