ભાન બેભાનમાં માત
તુજને રટયા,વિસારી બાપુનું નામ દીધું, ચારણો જન્મથી પક્ષપાતી બની,શરણ જનનીતણું એક લીધું ;
તેં લડાવી ઘણાં લાડ મોટાં કર્યા , પ્રથમ સત્કાવ્યનાં દૂધ પાયાં ;
ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૧
રાસ રમતી હતી અમ તણી જીભ પર, ઝણણ પદ નૂપુર ઝણકાર થાતાં ; સચર ને અચર સૌ મુગ્ધ બનતાં હતાં , તાલ દઈ સંગમાં ગીત ગાતાં ;
નર નરાધીશ જગદીશ રીઝયા હતાં , અમ તણાં એ જ ઝરણાં સુકાયાં ; ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૨
દેશભક્તિ તણા રણ મરણ મોક્ષના , પાઠ ક્ષત્રીને અઘરા પઢાવ્યા ;
રંક રક્ષણ તણાં દૃષ્ટ ભક્ષણ તણાં ; આકરાં પાણ તેગે ચડાવ્યા ;
લગ્ન વરમાળ કાઢી લાડવ્યાં હતાં , આજ નિરવીર્યના ગુણ ગયા ;
ખોળલે ખેલાવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૩
આત્મ-અરપણ તણાં પ્રથમ ભુવ ભારતે,
ચારણે કંઠથી સૂર છેડયા ;
લાખનાં લોહીની ધાર અટકાવવા , ચારણે આપનાં લોહી રેડયા ;
સત્ય આગ્રહ તણાં ઉપાસક આદિથી , સ્વતંતર જીવનના ગુણ ગાયાં ; ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૪
સત તણાં સ્વાંગ રણભોમ રંગમે’લમાં પે’રીને અસતના દાંત જ્હેર્ય ;
અંબિકા ! તુજ તણાં એ જ પુત્રો અમે , અસતના શામળા પાઠ પે’ર્યા ,
અંધ લંપટ અને નફટ છોરું બને , માત છોડે નહીં તોય માયા ;
ખોળલે ખેલાવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૫
જગત સેવા તણાં કાવ્ય લલકરીએ , ઝૂપડે ઝૂપડે ગીત ગાઈયે ;
ભીખ સાહિત્યની માગશે ક્ષત્રિયો ;
દેવ એવા ફરી વાર થાઈયે ; ‘કાગ‘ ખેડૂતની ખેડી ધરણી પરે ,
મે’ર વરસાદની વાટ માયા ; ખોળલે ખેલાવ્યાં બાળને માવડી ,
આજ તરછોડ માં જોગમાયા ! ૬
રચના:- કવિવર દુલા ભાયા કાગ
No comments:
Post a Comment