Showing posts with label Dungare dungare kaadu tara dayara - ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા - ડાયરો - jmn0009_ravan - lock dayra-. Show all posts
Showing posts with label Dungare dungare kaadu tara dayara - ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા - ડાયરો - jmn0009_ravan - lock dayra-. Show all posts

Saturday, July 22, 2023

જય જય હનુમાન વીર | રાજભા ગઢવી | હનુમાન જી કવિત | JMN0009_RAVAN | UNKNOWN_TELLS

દોહો


રાઘવને રણમાં, તેદી',

હનમો સાથે ન હોત,

તો રામનાં આંસુડા "રાજ" કે,તે

દી' લંકામાં કોણ લોત.

| છંદ : ચર્ચરી |


બંદન મન રામ રામ, નુરત સુરત પુરત હામ,

ગામ ગામ ઠામ ઠામ, પુજન પામ મેવા.

ઉરમેં બ્રહ્માંડ અનેક, જગમગ દ્રગ સુરજ કૈક,

રખત સખત નેક ટેક, અચલ એક દેવા.

અણકળ બળ સરળ ચીત, ખલદલ બલ જંગ જીત,

અતી સુહીત અંગદ મીત, રીત હીત વારા.

જય જય હનુમાન વીર, સુત સમીર વડ ખમીર,

અતિ અમીર ભંજન ભીર, હરન પીર પ્યારા...૧


શંકર તણ રૂદ્રરાજ, ગણ સમાજ સીર સુ-તાજ,

તરન તાર જગત જાજ, આજ વાજ આપે.

આદિ બ્રહ્મચર્ય પાલ, કાલનકો મહાકાલ,

અંજની સુત વાલ બાલ, ફાલ જાલ કાપે.

બચપન મેં દહી સલંગ, ગ્રહીયો મુખ ભર પતંગ,

જનની ઉમંગ અંગ, રંગ રંગ ગ્યારા.

     જય જય હનુમાન વીર...૨


કુદીયો સમદર સાત, સીતા માત હરખ પાત,

પુછત નાહિં જાત બાત, આશીર્વાદ આલા.

જળ જળ લંકા જલાય, ઉથલ પાથલ ખલ મુંજાય,

લાય લાય હાય હાય, ભાઇ ભાઇ બાલા.

રાઘવ પ્રિય ભક્ત સંત, અગમ ભેદ તું અનંત,

દેખત અસુરા ડરંત, અજબ તું અપારા.

     જય જય હનુમાન વીર...૩



દેત ગ્યાન અભયદાન, ભગત મંગત લગત ધ્યાન,

ખાન પાન શાન બાન, જગત માન પામેં.

ગગન લગન કીરત જાય, લગન બગન મગન થાય,

બલ બડાય સુખ સંહાય, ભલ ભલાઈ જામે.

ભાગત જટ ભુત બુત, જપતાં જગ ફાળ ટુટ,

પવન સુત રામ દુત, બલ અખુટ ન્યારા.

     જય જય હનુમાન વીર...૪


મંગલ બુધ્ધિ અપાર, અનગળ સત આર પાર,

તરત કરત વાર યાર, ભાર ટાર સારો.

કટજટ તુંય કફર ફંદ, આજ "રાજ" કહત છંદ,

મતીયાં મુંજ હોય મંદ, સુઘડ કર સુધારો.

જય કપીશ હરન તાપ, તન મન ધન જપત જાપ,

પાપ આપ કરન છાપ, ગહન હાપ મારા.

     જય જય હનુમાન વીર...૫


     || કળશ છંદ : છપ્પય ||



હરખ વત હનુમાન, ગ્નાન ગહન સરજાવે,

મહાવીર બલવાન, દાન અભય અરપાવે,

કાલનકો મહાકાલ, ફાલ મૃત્યુકી મિટાવે,

કરો પલ પલ જાપ, તાપ ત્રિવિધ હટાવે,

અવધુત ભુપ નભ સુત સુત, હરિ દુત ભુત સળગાવતો,

કહ "રાજ" તોર કર જોર મોર, તુંહી ઠોર ઠોર દીખલાવતો...


    || સવૈયો સિંહાવલોકન ||


ભરડે અરિ ફોજ ઇમે હનમો,

   જીમ ગાડર ને કેહરી મરડે,

મરડે નિજ પુચ્છ ફરે અગની,

   ધરી ફૈણ ફણીધર જ્યું કરડે,

કરડે ગઢ લંક હુતાસ જીમે,

   હનુમાન કુદે ધરણી તરડે,

ત-રડે સબ "રાજ" કે બાલ ત્રીયા,

   હનું ઘ્રન્ટ બની દલ યું ભરડે...


રચના - ગાંડી ગીર નો ડણકતો સાવજ

પ્રકૃતિ પ્રિય કવિ શ્રી "રાજભા ગઢવી"



ટાઇપિંગ - 'કેતન પંચાસરા'

Saturday, February 20, 2021

ડાયરો - ડાયરો કેવો હોય - લોક ડાયરો - jmn0009_ravan - ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા

ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા વાગે...

પણ પહેલા  જાણો કે આ ડાયરા એટલે શું ? 





ગુજરાતીઓ ડાયરો અને ભજન કરવાના ખુબ જ શોખીન હોય છે. તે ભલે ગુજરાતમાં હોય કે ગુજરાત બહાર વિદેશમાં પણ ડાયરો અને ભજનની જમાવટ ગમે ત્યાં કરે અને આમ પણ ડાયરો અને ભજન આપણી ગુજરાતી સંસ્કૃતિ જાળવી રાખે છે અને અત્યારે શહેરથી લઈ નાના ગામોમાં ડાયરાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  આમ તો આજ કાલ ડાયરો શબ્દ ખૂબ પ્રચલિત છે.તેમજ સોશ્યલ મીડિયા આવતા તેના ચાહક વર્ગ માં પણ ઘણો વધારો થયો છે.પણ પહેલા ના ડાયરા કેવા હતા એની ઘણા લોકો ને ખબર નથી.


મૂળ ફારસી ભાષામાં “દાહીરો” નામ નો શબ્દ જેને અર્થ થાય લોકો નું વર્તુળ જેમાં સાંસ્કૃતિક,રાજકીય અને સામાજિક બાબતો ચર્ચવા માં આવતી.અને સમય જતા આ શબ્દ નું અપભ્રંશ થયું “ડાયરો”. રાજશાહી વખતમાં દરબારગઢ માં મુખ્ય દરવાજા ની બંને બાજુ બેઠક હોઈ જેમાં ડાબી બાજુએ સત્તાધીશો,ગઢવીઓ, બારોટો અને કારોભારી બેસતા.જયારે જમણી બાજુ એ દરેક જ્ઞાતિ ના નિયુક્ત પટેલો બેસતા. ડાયરો બેસે એટલે સૌપ્રથમ ઠુમ્બો આવે.ઠુમ્બો એટલે નાસ્તો.ત્યાર બાદ કસુંબો આવે ને હોકલા ફરતા રહે.


કસુંબા નું સ્થાન ડાયરા માં અલગ જ હતું….કસુંબો ...એટલે અફીણનું સેવન. પણ કેવું સેવન એ નીચેના એક દોહા ઉપરથી  જાણી શકશો.

ખરલમાં નાખો તો ખસરક ઘુટાક, ગળણીમા નાખો તો ત્રબક ત્રબક, બાપ પીએ તો બેટાને ચડે.બેટો પીએ તો બાપને ચડે, કીડી પીએ તો હાથી થી લડે,તલનો ત્રીજો ભાગ,રાઇ ના દાણા જેટલો, હેઠો પડે તો પ્રુથ્વી ફાડે,સાત પાતાળ સોંસરવોશેષનાગને માથે જઇ ઠરે એ કસુંબો 


 એ ઈને ..ભાતીગત પાથરણા પથરાણા હોઈ ને તેની ઉપર ડાયરો જામ્યો હોઈ ને કસુંબો ઘૂંટાતો હોઈ ને સુરજ નારાયણના સમ દઈ ને કસુંબાના આડા ધ્રોબા અપાય રહ્યાં હોય. આવા ડાયરા મોટાભાગે સવારે ભરાતા. આવા ડાયરા પણ અલગ અલગ પ્રકાર ના હોઈ.જેમ કે ઉપર વાત કરી એમ સામાન્ય ડાયરા, લગ્ન ના ડાયરા જેમાં પરણી ને આવે માંડવીયાઓ ભેગા થાય ને હોકલા પાણી કરે.એ સિવાય મરણનો ડાયરો. જેમાં રોજ સવારે બે કલાક બધા કુટુંબીઓ ભેગા થાય. શિરામણના સમયે છાંયસુ પીવાના કોલ દેવાય અને ડાયરો વિખેરાય. છાંયસુ પીવા એટલે બપોરનું જમવા. આ છાંયસુ પણ ગાયની હોય. બપોરના જમવામાં ખાટિયું શાક બનાવ્યું હોય એમ સેતકનો અબગાડ નાખ્યો હોય એની માથે લસણીયો કુટીને નાખ્યો હોય અને લસણનું મારણ કરવા ઉપરથી બીજું અબગાડ નાખવામાં આવે. અબગાડ એટલે ગાયનું ગરમ કરેલું ઘી. આઝાદી મળ્યા બાદ રજવાડાઓ ન રહેતા આવા ડાયરાઓ બંધ થયા.


રજવાડા ના સમય માં ગઢવીઓ તેમની સરસ્વતી ની તાકાતે રાજ ના દરબાર ના વાર્તા માંડતા,દુહા ને છંદ લલકારતા ખુમારી ની શૂરવીરતા ની સંસ્કારો ની વાતો મંડાતી.ઘણી વાર ખુમારી,વચન અને હિંમત ના પારખા લેવાતા  અને આપેલું વચન પાડવા રાજપૂતો એ માથા આપ્યા ના દાખલા ઇતિહાસ મા અમર છે.ત્યાર બાદ આઝાદી મળતા આવા ડાયરા ગામ માં તાલુકદાર ની ડેલીએ ને ગામ ના ચોરે થતાં. મૂળ રાજકીય અને વહીવટી બેઠકના અનુસંધાને યોજાતા ડાયરાને હાલના મનોરંજન વિષયક કાર્યક્રમ તરીકે પહોંચતા લાંબી મજલ કાપવી પડી છે..


ડાયરોએ ખુમારી, બહાદુરી, મિત્રતા, દુશ્મનાવટ માં પણ ખાનદાની એવા અનેક વિષયોના અગણય ઉદાહરણો પુરા પાડે છે. આધુનિક ડાયરા માં પણ પહેલા વાર્તાઓ ને સંતવાણી ને વધુ પ્રાધાન્ય આપવામાં આવતું પણ ધીમે ધીમે સમય બદલાતા દુહા છંદ ને ફિલ્મીગીતો અને જોકસ જેવી હાસ્યપ્રચૂર વાતોએ  એ એનું સ્થાન લઈ લીધુ છે. હાલ ના ડાયરા નો ઉદેશ્ય મોટાભાગે મનોરંજન થઈ ગયો છે.


જૂના જમાનાના ડાયરામાં પપૈસા ઉડાડવામાં ન આવતા. એ લક્ષ્મીનું અપમાન ગણવામાં આવતું.  પણ ધીમે ધીમે દેખાદેખીમાં  ડાયરા માં પૈસા ઉડવાનું ચલણ શરૂ થઈ ગયું કે જેથી ગામમાં મોભો પડે અને વાહવાહ થાય. હાલ માં તો બધી જ્ઞાતિ ના લોકો પોત પોતાની રીતે ડાયરા નું આયોજન કરતા હોય છે અને ડાયરા ના કલાકારો પણ પોતાની કળા ને દેશ વિદેશ સુધી પ્રસરાવવા માં સફળ રહ્યા છે.આમ આજના ડાયરા ને લોકડાયરો કહેવા માં આવે તે બિલકુલ યોગ્ય શબ્દ છે પણ હાલ માં પણ ડાયરો જ એવો કાયકર્મ છે જેને સહપરિવાર માણી શકાય.


જોકે પહેલા ની ડાયરા ની બેઠક ને અત્યારે ઘણા ડાયરા ની બેઠક માં પણ ફેર પડ્યો છે એક જમાનામાં સંગીત સમારોહ હોય કે કોઈ લગ્ન પ્રસંગ, બેસણું હોય કે દેશી નાટકનો ખેલ હોય, લાઈનબંધ ગાદલાં પથરાઈ જાય. લોકસંગીત, ડાયરો, જાણીતા ભજનીકના ભજન કે શાસ્ત્રીય સંગીતની બેઠક હોય, શ્રોતા પલાંઠી મારીને કલાકારની સામે ગાદલાં ઊપર એવો જામોકામી થઈને બેસી જાય કે સવારે કૂકડો બોલે ત્યારે ઊભો થાય તો ય સાગના સોટા જેવો, કપડાં ખંખેરીને હાલતો થાય. ન એને નસ ચઢે, ન એને પગમાં ખાલી ચઢે કે ન એના પગ થાંભલા જેવા થાય. માણસ જાજમ કે શેતરંજી ઉપર ચાર કલાક બેઠો હોય તો ય બીજે દિ’ તમને ઘૂઘરા જેવો રસ્તામાં સામો મળે!


કાર્યક્રમ મોડે સુધી જામ્યો હોય ત્યારે ગાદલાં કે જાજમ ઉપર બેઠેલો શ્રોતા થોડી થોડી વારે પલાંઠી બદલ્યા કરે, ગોઠણ ઊંચા-નીચા કરે, હાથની ખાંભી બદલ્યા કરે. એની આંખ અને કાન સ્ટેજ તરફ હોય અને એ પોતાની ‘બેઠક’નો ભાગ અધ્ધર કરી કરીને કલાકો સુધી


દાદ દીધા કરે. આ ‘બેઠકાસન’નો સૌથી મોટો લાભ એ હતો કે માણસ કમરથી બોચી સુધી ટટ્ટાર રહી શકતો. ન સર્વાઈકલ થાય ન ઢાંકણીની ફરિયાદ.


પણ જુનવાણી ડાયરા એ “જુનવાણી” પાઘડી,પછેડી,ને ફરતું”ઇ”ફાળિયું,,અનોખો હતો’ઇ”આદમીનો ઓપ.! હવે ઇ’માન ગઈ,’ઇ’મરજાદ ગઈ,સાવ”મોળી પડી ગઈ મોજીલી મોટપ.!  આવી મોજ હતી ડાયરા ની.


આજે તો ડાયરાના બજારમાં અનેક કલાકારો આવી ગયા છે પહેલા તો ચારણ કે ગઢવી લોકો ડાયરો કરતા અને હવે તો જેને બોલતા અને ડાયરામાં ઉપયોગમાં લેવાતા શબ્દો આવડે એ કલાકાર બની જાય અને ડાયરા કરવા લાગે. કારણ કે ડાયરાના કાર્યક્રમમાં પણ લાખો રુપિયા મળે છે અને એક વ્યવસાય તરીકે ગણાવા લાગ્યો છે.  





ગુજરાતમાં ડાયરા માટેના કેટલાક જગવિખ્યાત કલાકારો ગુજરાતમાં હોય કે ગુજરાત બહાર વિદેશમાં પણ ડાયરો અને ભજનની જમાવટ કરે છે અને આપણી ગુજરાતી સંસ્કૃતિનું જતન કરવામાં ફાળો આપે છે.  હમણાં  થોડાક સમયથી ગુજરાતમાં થતાં ડાયરા અને ગુજરાતી ગીતો પ્રતિ લોકો પોતાનો રસ દાખવી રહ્યાં છે. જેથી ડાયરો કરતા ગુજરાતી કલાકારોની માંગ પણ વધી રહી છે. આમ પણ દરેક કલાકારની કલાની કદર થવી જ જોઈએ.


સૌજન્ય - વોટ્સએપ