Saturday, July 22, 2023

જય જય હનુમાન વીર | રાજભા ગઢવી | હનુમાન જી કવિત | JMN0009_RAVAN | UNKNOWN_TELLS

દોહો


રાઘવને રણમાં, તેદી',

હનમો સાથે ન હોત,

તો રામનાં આંસુડા "રાજ" કે,તે

દી' લંકામાં કોણ લોત.

| છંદ : ચર્ચરી |


બંદન મન રામ રામ, નુરત સુરત પુરત હામ,

ગામ ગામ ઠામ ઠામ, પુજન પામ મેવા.

ઉરમેં બ્રહ્માંડ અનેક, જગમગ દ્રગ સુરજ કૈક,

રખત સખત નેક ટેક, અચલ એક દેવા.

અણકળ બળ સરળ ચીત, ખલદલ બલ જંગ જીત,

અતી સુહીત અંગદ મીત, રીત હીત વારા.

જય જય હનુમાન વીર, સુત સમીર વડ ખમીર,

અતિ અમીર ભંજન ભીર, હરન પીર પ્યારા...૧


શંકર તણ રૂદ્રરાજ, ગણ સમાજ સીર સુ-તાજ,

તરન તાર જગત જાજ, આજ વાજ આપે.

આદિ બ્રહ્મચર્ય પાલ, કાલનકો મહાકાલ,

અંજની સુત વાલ બાલ, ફાલ જાલ કાપે.

બચપન મેં દહી સલંગ, ગ્રહીયો મુખ ભર પતંગ,

જનની ઉમંગ અંગ, રંગ રંગ ગ્યારા.

     જય જય હનુમાન વીર...૨


કુદીયો સમદર સાત, સીતા માત હરખ પાત,

પુછત નાહિં જાત બાત, આશીર્વાદ આલા.

જળ જળ લંકા જલાય, ઉથલ પાથલ ખલ મુંજાય,

લાય લાય હાય હાય, ભાઇ ભાઇ બાલા.

રાઘવ પ્રિય ભક્ત સંત, અગમ ભેદ તું અનંત,

દેખત અસુરા ડરંત, અજબ તું અપારા.

     જય જય હનુમાન વીર...૩



દેત ગ્યાન અભયદાન, ભગત મંગત લગત ધ્યાન,

ખાન પાન શાન બાન, જગત માન પામેં.

ગગન લગન કીરત જાય, લગન બગન મગન થાય,

બલ બડાય સુખ સંહાય, ભલ ભલાઈ જામે.

ભાગત જટ ભુત બુત, જપતાં જગ ફાળ ટુટ,

પવન સુત રામ દુત, બલ અખુટ ન્યારા.

     જય જય હનુમાન વીર...૪


મંગલ બુધ્ધિ અપાર, અનગળ સત આર પાર,

તરત કરત વાર યાર, ભાર ટાર સારો.

કટજટ તુંય કફર ફંદ, આજ "રાજ" કહત છંદ,

મતીયાં મુંજ હોય મંદ, સુઘડ કર સુધારો.

જય કપીશ હરન તાપ, તન મન ધન જપત જાપ,

પાપ આપ કરન છાપ, ગહન હાપ મારા.

     જય જય હનુમાન વીર...૫


     || કળશ છંદ : છપ્પય ||



હરખ વત હનુમાન, ગ્નાન ગહન સરજાવે,

મહાવીર બલવાન, દાન અભય અરપાવે,

કાલનકો મહાકાલ, ફાલ મૃત્યુકી મિટાવે,

કરો પલ પલ જાપ, તાપ ત્રિવિધ હટાવે,

અવધુત ભુપ નભ સુત સુત, હરિ દુત ભુત સળગાવતો,

કહ "રાજ" તોર કર જોર મોર, તુંહી ઠોર ઠોર દીખલાવતો...


    || સવૈયો સિંહાવલોકન ||


ભરડે અરિ ફોજ ઇમે હનમો,

   જીમ ગાડર ને કેહરી મરડે,

મરડે નિજ પુચ્છ ફરે અગની,

   ધરી ફૈણ ફણીધર જ્યું કરડે,

કરડે ગઢ લંક હુતાસ જીમે,

   હનુમાન કુદે ધરણી તરડે,

ત-રડે સબ "રાજ" કે બાલ ત્રીયા,

   હનું ઘ્રન્ટ બની દલ યું ભરડે...


રચના - ગાંડી ગીર નો ડણકતો સાવજ

પ્રકૃતિ પ્રિય કવિ શ્રી "રાજભા ગઢવી"



ટાઇપિંગ - 'કેતન પંચાસરા'

No comments:

Post a Comment