Saturday, January 2, 2021

આજ તરછોડ માં જોગમાયા ।। દુલા ભાયા કાગ ।।

આજ તરછોડ માં જોગમાયા

ભાન બેભાનમાં માત ! 
તુજને રટયા,વિસારી બાપુનું નામ દીધું, ચારણો જન્મથી પક્ષપાતી બની,શરણ જનનીતણું એક લીધું ;
 તેં લડાવી ઘણાં લાડ મોટાં કર્યા , પ્રથમ સત્કાવ્યનાં દૂધ પાયાં ; 
ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૧

રાસ રમતી હતી અમ તણી જીભ પર, ઝણણ પદ નૂપુર ઝણકાર થાતાં ; સચર ને અચર સૌ મુગ્ધ બનતાં હતાં , તાલ દઈ સંગમાં ગીત ગાતાં ; 
નર નરાધીશ જગદીશ રીઝયા હતાં , અમ તણાં એ જ ઝરણાં સુકાયાં ; ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૨

દેશભક્તિ તણા રણ મરણ મોક્ષના , પાઠ ક્ષત્રીને અઘરા પઢાવ્યા ; 
રંક રક્ષણ તણાં દૃષ્ટ ભક્ષણ તણાં ; આકરાં પાણ તેગે ચડાવ્યા ; 
લગ્ન વરમાળ કાઢી લાડવ્યાં હતાં , આજ નિરવીર્યના ગુણ ગયા ; 
ખોળલે ખેલાવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૩

આત્મ-અરપણ તણાં પ્રથમ ભુવ ભારતે,
ચારણે કંઠથી સૂર છેડયા ; 
લાખનાં લોહીની ધાર અટકાવવા , ચારણે આપનાં લોહી રેડયા ; 
સત્ય આગ્રહ તણાં ઉપાસક આદિથી , સ્વતંતર જીવનના ગુણ ગાયાં ; ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૪

સત તણાં સ્વાંગ રણભોમ રંગમે’લમાં પે’રીને અસતના દાંત જ્હેર્ય ; 
અંબિકા ! તુજ તણાં એ જ પુત્રો અમે , અસતના શામળા પાઠ પે’ર્યા 

અંધ લંપટ અને નફટ છોરું બને , માત છોડે નહીં તોય માયા ; 
ખોળલે ખેલાવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૫

જગત સેવા તણાં કાવ્ય લલકરીએ, ઝૂપડે ઝૂપડે ગીત ગાઈયે, 
ભીખ સાહિત્યની માગશે ક્ષત્રિયો; 
દેવ એવા ફરી વાર થાઈયે ; ‘કાગ‘ ખેડૂતની ખેડી ધરણી પરે , 
મે’ર વરસાદની વાટ માયા ; ખોળલે ખેલાવ્યાં બાળને માવડી , 
આજ તરછોડ માં જોગમાયા ! ૬

રચના:- કવિવર દુલા ભાયા "કાગ"

No comments:

Post a Comment